જાણીતા મહાનુભાવો

 
આત્‍માને ઓળખનાર – દાદા મેકણ
     શેષાવતાર અને લક્ષ્‍મણજતિનો અવતાર એટલે દાદા મેકરણ. મેકરણનું મૂળ નામ મેકોજી ભટ્ટી. વિક્રમની અઢારમી સદીની પહેલી પચ્‍ચીસીના અંતમાં નખત્રાણા તાલુકાના ખોંભડી ગામે જન્‍મ. પિતા હરધોળજી અને માતા પાબાંબા. બાળવયમાં કંઇ મેકોજીમાં વિશેષતા દેખાઇ ન હતી.  સામાન્‍ય બાળકની જેમ તેનો ઉછેર થયેલો.
         સામાજિક દ્રષ્‍ટ‍િએ જોતાં મેકણદાદા એક મહાન રણ સુધારક હતા. કબીરની જેમ દોહા – સાખીઓ અને ભજનોની રચના કરતા. કચ્‍છી, ગુજરાતી અને હિન્‍દીમાં અઢળક લખેલી રચનાઓ જોવા મળે છે.
         વિક્રમ સંવત-૧૭૮૬ના આશ્વિન માસની અંધારી ચૌદશ અને શનિવારે વહેલી સવારે દાદાએ પોતાના દશ શિષ્‍યો સાથે ધ્રંગ ગામે જીવંત સમાધિ લીધી, સાથોસાથ લાલિયા અને મોતિયાએ પણ. મેકરણનો એક જ નાદ – જીનામ...જીનામ...
અગમવાણીના મામૈદેવ
         માતૈંના વંશમાં મામૈદેવનો ઉદય થયો. જૂનાગઢનો રા નવઘણ મામૈદેવનો પરમ ભકત હતો. આગળ જતાં આ મામૈદેવ અગમવાણીના જ્ઞાતા બન્‍યા. તેમણે ઘણું ભવિષ્‍યકથન કરેલું છે, તે પણ હજારેક વર્ષ પહેલાં. અરે ! દેવાયત પંડિત કે વિદેશી ભવિષ્‍યવેત્તા નોસ્‍ત્રેદામુથી પણ આગળ થઇ ગયેલા આ સંતની જુગજૂની વાણી હતી. મામૈદેવે સિંધી-કચ્‍છી ભાષામાં આ સાહિત્‍ય આપ્‍યું છે. તેમની વાણીના નમૂનારૂપે અગમવાણી જોઇએ.
                                                        " ઉકેડે તેં ડિયા બરંધા, મુંધ ન વસધાં મીં,
                                                           સામા થીંધા સામકે, ઇ અચીંધા ડીં ! "
        (ઉકરડા પર દીવા બળશે, મોસમ પર મેહ નહિ વરસે, લોકો પોતાના માલિકને સામા થશે એવા દિવસો આવશે.)
                                                        " કુંવર વિકણધા કાઠિયું, રા વિકણધા ઘા,
                                                           નાણે નિયા વિકાંધા, ગઢેં  જ હૂંધા વા ! "
        (કુંવરો લાકડા વેચશે અને રાજા વેચશે ઘાસ, ઇન્‍સાફ પૈસા સાટે વેચાશે, ગઢરાંગોમાં પવન ફૂંકાતો હશે !)
                                                        " જોગી થીંધા જમીનદાર, માલદાર મેઘવાર,
                                                           ઘસી વેંધા ગરાસિયા, ડનાંધા સાઉકર ! "
        ( જોગી જમીનદાર બનશે, હરિજન-મેઘવાળ માલદાર થશે, ગરાસિયા ઘસાઇ જશે, શાહુકારો દંડાશે.)
ત્રિકમ સાહેબ
         કચ્‍છ – વાગડનું રાપર ગામ રવિભાણ સંપ્રદાયનું ધામ છે. ત્રિકમભગત ગરવા જ્ઞાતિના એક હરિજનકુળના હતા. રાપરનું રામવાવ તેમનું જન્‍મસ્‍થળ. ભાણસાહેબના શિષ્‍ય ખીમસાહેબના શિષ્‍ય એટલે ત્રિકમસાહેબ. સાહેબ પરંપરાના ભકતો આત્મજ્ઞાની, સંત અને ભકતકવિઓ હતા. ત્રિકમસાહેબ ગુરુઓને વંદન કરી ચિત્રોડ ગામે આવ્‍યા. અહીં એમણે એક વિશાળ મઢી તૈયાર કરાવી. અહીં રહી સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કર્યો. અંતે કાળધર્મ પામ્‍યા, પણ ઇચ્‍છાનુસાર રાપરના દરિયાસ્‍થાનમાં ખીમસાહેબની સમાધિ પાસે તેમની સમાધિ બની.