જોવાલાયક સ્‍થળો

        તાલુકાનાં મહત્‍વનાં જોવાલાયક સ્‍થળોમાં ભુજ ખાતે કચ્‍છ મ્યુઝિયમ, આયના મહેલ, પ્રાગ મહેલ, શરદબાગ પેલેસ, લખપતજીની છતેડી, જયાં ભવ્‍ય સ્‍મૃતિવન તૈયાર થાય છે તે ભુજિયો ડુંગર-કિલ્લો, હલ ગાર્ડન, આશાપુરા મંદિર, સ્‍વામિનારાયણ મંદિર, જડેશ્વર (સુરલભિટ્ટ) મંદિર, કચ્‍છ સંસ્‍કૃતિ દર્ન (લોકકલા સંગ્રહાલય), હમીરસર તળાવ વગેરે આસ્‍થા અને પર્યટનનાં મથકો છે. ભુજ નજીક ભુજોડી ગામ હસ્‍તવણાટનું મુખ્‍ય મથક છે. અહીં શ્રૃજન સંસ્‍થા આવેલી છે.
 
ધમ્‍મસિંધુબાડા
        ભુજથી લગભગ પંચોતેર કિ.મી.ના અંતરે માંડવી-નલીઆ રાજમાર્ગ પર બાડા ગામના ગોંદરે વસેલા લગભગ એકવીસ એકરના વિસ્‍તારમાં સાચા અર્થમાં લીલોછમ પરિસર એટલેકે ધમ્‍મસિંધુમાં લીમડા, ગુલમહોર જેવાં હજારો વૃક્ષો અને સુવ્‍યવસ્થિત બગીચાના આયોજનથી વીંટળાયેલા સંકુલમાં પગ મૂકતાંની સાથે જ કોઇ દિવ્‍ય વાતાવરણમાં પ્રવેશ્‍યા હોઇએ તેવી અનુભૂતિ થયા વગર રહેતી નથી. પક્ષીઓના કલબલાટના મધુર અવાજ સિવાય અહીં બધું જ શાંત અને શિસ્‍તબધ્ધ છે.
એકલ માતાજી
         ભુજથી લગભગ એકસો કિ.મી. અને તાલુકા મથક ભચાઉથી ત્રીસ કિ.મી. ના અંતરે એકલ માતાનું સ્‍થાન મોટા રણની કાંધીએ આવેલું છે. સુંદર પરિસર ધરાવતા આ શિખરબંધ મંદીરમાં માતાજીની બે મૂર્તિઓ બિરાજમાન છે, જેમાં એક સ્‍વયંભૂ પ્રગટેલી છે, જયારે બીજી લગભગ ર૦૦ વર્ષ પહેલાં કોઇ નિ:સંતાન દરબારના ઘરે પારણું બંધાતાં અને પોતાની શેર માટીની ખોટ પૂરી થતાં તેમણે બીજી મૂર્તિ પધરાવેલ છે. વાગડ વિસ્‍તારમાં એકલના સ્‍થાનેથી અત્‍યંત વિશિષ્ટતા ભરેલ સફેદ રણનાં સરળતાથી દર્શન થાય છે. પ્રકૃતિ અને પર્યટનના ચાહકો અહીંથી રણની અંદર કાકડિયા બેટ, ગંગડી બેટ વગેરેથી પગપાળા, મોટર સાયકલ દ્વારા સાહસિક પ્રવાસનો આનંદ લઇ શકે છે.
વાંઢાય તીર્થ
   આમ તો ભુજ શહેરથી માત્ર ર૮ કિ.મી.ના અંતરે આવેલું વાંઢાય તાર્થ ધર્મનું ત્રિવેણીસંગમ છે. પાટીદાર પટેલ સમાજના કુળદેવી ઉમિયા માતાનું ભવ્‍ય મંદિર, ઇશ્વર આશ્રમ અને ભવ્‍ય રામ મંદિરના સ્‍થાનકોનું આ ત્રિવેણીસંગમ તીર્થ છે. ભુજથી નખત્રાણા જતા ધોરીમાર્ગની નજીક જ દેશલપર ગામ નજીક વાંઢાય ગામમાં સુંદર એવા ઇશ્વરસાગર સરોવરના કાંઠે આ રામમંદિરનું નિર્માણ  કરવામાં આવ્‍યું છે.
         આ રામમંદિરના પ્રેરણાદાતા પૂ. વાલદાસજી – મહારાજે પોતાના ખરોવા શિષ્‍ય સમુદાયને પ્રેરિત કરીને પોતાના ગુરુ ઓધવરામજીની જન્‍મતિથિ રામનવમીના શતાબ્‍દી વર્ષ નિમિત્તે આ ભવ્‍ય રામમંદિરનું નિર્માણ કરાવેલ છે. વાંઢાય તીર્થમાં આવેલ ઉમિયા માતાના મંદિરમાં રહેવા – ભોજનની ઉત્તમ વ્‍યવસ્‍થા છે. રામનવમીના દિવસે વાંઢાય પરિસરમાં મેળો ભરાય છે ને હજારો લોકો દર્શનાર્થે અહીં પધારે છે.