1 2 3

જોવાલાયક સ્‍થળો

બારેમાસ આપમેળે છલોછલ રહેતો કુંડ
         ભુજ તાલુકાના હબાય ગામે આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરના પ્રાંગણ નજીક પૌરાણિક વાઘેશ્વરી કુંડ આવેલો છે. આ કુંડ બારેય માસ પાણીથી ભરપૂર જ રહે છે. કહેવાય છે કે આ કુંડનું પાણી માતાજીની પ્રતિમાનો ચરણસ્‍પર્શ કરી કુંડમાં આવે છે. આ દર બાર મહિને જેઠ મહિને અને ભીમ અગિયારસના સાફ કરવા હેતુસર ખાલી કરાય છે અને ચમત્‍કાર એ છે કે એ જ દિવસે સાંજે જયારે માતાજીની પૂજા – અર્ચન કરાય છે તેની થોડી જ ક્ષણોમાં કુંડ પાછો પાણીથી છલોછલ ભરાઇ જાય છે. અહીં શ્રદ્ધાળુઓ કુંડના પાણીના સ્‍પર્શ માત્રથી પવિત્રતા પામવા દૂર દૂરથી આવે છે, માન્‍યતા છે કે આ ચમત્‍કારિક કુંડ અને ધ્રંગના મેકરણ દાદા મંદિરની ખીરસરી વાવનું પાતાળ એક જ છે !
શહેરનું હૃદય - હમીરસર તળાવ
         ઈતિહાસ તરફ નજર કરતાં હમીરસર તળાવ જાડેજા શાસક રાવ હીમરે બંધાવ્‍યું હોવાનું મનાય છે. રાવ હમીરે ભુજ શહેરનો પાયો નાંખ્યો હતો. હમીરસર તળાવ પ્રારંભકાળથી જ ભુજ શહેર માટે પાણીનો મુખ્‍ય સ્‍ત્રોત રહ્યું છે. હમીરસરનું પાણી નહેરો, નાળાં, રિચાર્જિંગ એકિવફાયર્સ દ્વારા ૩૦૬ કૂવામાં પાણી પહોંચતું હતુ. જેના દ્વારા શહેરી વસ્‍તીની પાણીની જરૂરિયાત સંતોષાતી હતી. હમીરસર પાણીના સંગ્રહ અને રિચાર્જનું માળખું બન્‍યું હતું. ચોમાસા દરમિયાન તેમાં પાણીનો સંગ્રહ થતો અને આખું વર્ષ શહેરનું ભૂગર્ભજળનું સ્‍તર જળવાઇ રહેતું. ઊંડી સૂઝબૂઝ અને આ પ્રદેશના વાતાવરણને ધ્‍યાનમાં રાખીને બાંધવામાં આવેલું હમીરસર ભારતના જળ ઇજનેરી ક્ષેત્રના વિકાસની ગૌરવગાથામાં યશકલગી બની રહે છે.